ઋતુ બદલાતા જ કેમ થઈ જવાય છે બીમાર? અને જાણો બીમારીઓ સામે રક્ષણ મેળવવાના અસરકારક ઉપાયો.

 બદલાવ એ પ્રકૃતિનો નિયમ છે. આપણા દેશમાં આપણને વિવિધ ઋતુઓનો અનુભવ મળે છે. અને તે પ્રકૃતિને સુંદર બનાવે છે. પણ જ્યારે ઋતુ બદલાય છે, ત્યારે તેની સીધી અસર આપણી જીવનશૈલી પર પડે છે. વાતાવરણમાં થતા અચાનક બદલાવથી તાવ, શરદી અને ઉધરસ જેવી બીમારીઓ પણ થાય છે. તો આજે આપણે 'હેલ્થ મંત્ર ડેઇલી' બ્લોગમાં આવી બીમારીઓ સામે રક્ષણ મેળવવાના અસરકારક ઉપાયો વિશે જાણીશું.

બીમારી સામે રક્ષણ મેળવવાના અસરકારક ઉપાયો.

૧. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવો.

 • રોજ સવારે તુલસીના ૫ થી ૬ પાન ચાવીને ખાવા અથવા તેનો ઉકાળો બનાવીને પીવો એ સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ છે. આ ઉકાળો ઈમ્યુનિટી બુસ્ટરનું કામ કરે છે.

 • હળદરમાં  એન્ટી-બેક્ટેરિયલ તત્વો સારા પ્રમાણમાં હોય છે. રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ પીવાથી શરદી , ઉધરસ અને કફ માં રાહત મળે છે. ઉપરાંત આદુનો ઉકાળો અથવા આદુવાળી ચા પીવાથી ગળાના ઈન્ફેક્શનમાં રાહત આપે છે. ચામાં ખાંડનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવું. (વધુ પ્રમાણમાં ચા પીવી હિતાવહ નથી).

 • સંતરા, લીંબુ અને આમળા જેવા ખાટાં ફળોનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ.તે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરીને કોષોને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે.

૨. બદલાતી ઋતુ પ્રમાણે આહારમાં કરો ફેરફાર. 

 •  શિયાળો : કુદરત આપણને દરેક ઋતુ પ્રમાણે યોગ્ય ફળો અને શાકભાજી આપે છે. શિયાળામાં લીલા તાજા શાકભાજી જેવા કે ગાજર અને બીટ: વિટામિન A અને એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે જે ત્વચા પર કુદરતી ચમક લાવે છે અને આંખોનું તેજ વધારવામાં ઉપયોગી થાય છે.

 • ઉનાળો: ઉનાળામાં તરબૂચ અને કેરી જેવા ફળો ખાવા મળે છે. ઉનાળામાં પાણી ખૂબ જ સારા એવા પ્રમાણમાં પીવું જોઈએ. ઉનાળામાં લીંબુ પાણી એ સૌથી સારૂ અને સસ્તું હાઇડ્રેશન ડ્રિંક જે શરીરમાં ગ્લુકોઝનું સ્તર જાળવી રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે. મોળી અને તાજી છાશ ઉનાળામાં અમૃત સમાન છે. તે એસિડિટી શાંત કરે છે અને પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે.

• ચોમાસુ : ચોમાસામાં હળવો અને તાજો ખોરાક લેવો જોઈએ. તાજા ફળો ખાવાથી શરીરને જરૂરી વિટામિન્સ મળી રહે છે. ચોમાસામાં મકાઈ, ટામેટાં અને મિક્સ વેજિટેબલ ના સુપ પીવું એ ફાયદાકારક છે.સૂપમાં  મરી પાવડર નાખીને પીવાથી ગળાને રાહત મળે છે, અને ભૂખ ઉઘડે છે. ચોમાસામાં ખાસ કરીને ઉકાળેલું જ પાણી પીવું જોઈએ.

૩. નાની નાની સાવચેતીઓ, દૂર રાખે બીમારીઓ.

• બદલાતી ઋતુઓથી ડરવાની જરૂર નથી,પણ સાવચેતી રાખવાની જરૂર છે. જો તમે તમારા ખોરાક ઊંઘ અને સ્વચ્છતા પર પૂરતું ધ્યાન આપશો, તો ડોક્ટર પાસે જવાની કે દવા લેવાની કોઈ જરૂર નહીં પડે.

• હંમેશા બહારથી આવ્યા પછી કે જમતા પહેલા અને છીંક ખાધા પછી તરત જ સાબુથી હાથ ધોવા જોઈએ. મોટાભાગની બીમારીઓ એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાય છે. તેથી વ્યક્તિગત સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે

• ઋતુ પ્રમાણે કપડાં પહેરવા પણ ખૂબ જ જરૂરી છે.ઋતુના સંક્રમણ કાળમાં વહેલી સવારે અને સાંજ પડતા જ ઠંડક અનુભવાય છે, જ્યારે બપોરનાં સમયે ગરમી લાગે છે. તેથી જ વાતાવરણ પ્રમાણે શરીર ઢંકાય તેવા યોગ્ય કપડાં પહેરવા જોઈએ.જેથી અચાનકથી ઠંડી અથવા ગરમી ન લાગે.

• ઉનાળામાં ક્યારેય પણ AC વાળા રૂમમાંથી સીધા જ કડક તડકામાં જવું નહીં. તડકામાંથી આવીને તરત જ ફ્રીજનું ઠંડું પણ પાણી પીવાનું પણ ટાળવું જોઈએ. જો પૂરતું ધ્યાન રાખવામાં ન આવે તો શરીરનું તાપમાન બગડે છે અને બીમાર પણ જલદી પડી શકીએ છીએ.

૪. સારી અને સકારાત્મક જીવનશૈલી. 

• બહાર વાતાવરણ ગમે તેવું હોય, પણ હંમેશા શરીરને સક્રિય રાખવું ખુબ જ જરૂરી છે. આપણું શરીર બીમાર પડતા પહેલા નાના-નાના સંકેતો આપે છે, જેને આપણે વહેલી તકે ઓળખીને કાળજી લેવાનું શરૂ કરી દેવું જોઈએ. 

• જો વાતાવરણ ખરાબ હોય તો બહાર વૉકિંગ કરવાની બદલે ઘરમાં જ યોગ, પ્રાણાયામ અને હળવી કસરત કરવી જોઈએ.અનુલોમ-વિલોમ અને કપાલભાતિ જેવા પ્રાણાયામ આપણા તન અને મનને મજબૂત બનાવે છે. અને સકારાત્મક ઉર્જા વધારે છે. 

• આપણા શરીરને પૂરેપૂરો રિપેર થવા માટે પૂરતો આરામ કરવો જોઈએ. દરરોજ ૭ થી ૮ કલાકની ગાઢ ઊંઘ લેવી ખૂબજ જરૂરી છે. તેનાથી તનાવ‌ ઓછો થાય છે અને આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

* ઉપયોગી ટીપ્સ : જ્યારે પણ ઋતુ બદલાય ત્યારે ઘરમાં ઉકાળો આવશ્ય બનાવો. ઉકાળો બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં તુલસીના ૭ થી ૮ પાન, ચપટી કાળા મરીનો પાઉડર, નાનો આદુ નો ટુકડો, ૩ થી૪ લવિંગ અને એક તજ નો ટુકડો નાખીને ઉકાળો. પછી આ પાણી અડધું થઈ જાય પછી તેમાં થોડું મધ મેળવીને અઠવાડિયામાં ૧ અથવા ૨ પીવાથી ખૂબ જ ફાયદો થશે.

Disclaimer : 'હેલ્થ મંત્ર ડેઇલી' આ માહિતીની તબીબી સચોટતાની કોઈ ગેરંટી લેતું નથી. કોઈપણ પ્રકારના ઉપાય, કે ડાયેટ પ્લાન અપનાવતા પહેલાં હંમેશા તમારા ફેમિલી ડૉક્ટર અથવા પ્રમાણિત આયુર્વેદિક નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

ટિપ્પણીઓ